"પ્રાચીન વૈદિક - સૈદ્ધાંતિક જ્ઞાન પ્રશ્ર્નોત્તરી"
પ્ર. ૧. આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ શું હતું?
ઉત્તર :આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ આર્યાવર્ત હતું.
પ્ર. ૨. આપણું ભારતવાસીઓનું પ્રાચીન નામ શું હતું ?
ઉત્તર : આપણું ભારતવાસીઓનું પ્રાચીન નામ આર્ય હતું.
પ્ર. ૩. આપણો ભારતવાસીઓનો પ્રાચીનત્તમ ધર્મ કયો છે ?
ઉત્તર : આપણો ભારતવાસીઓનો પ્રાચીનતમ ધર્મ વૈદિક ધર્મ છે. જે સનાતન ધર્મથી ઓળખાય છે.
પ્ર. ૪. આપણા વૈદિકધર્મીઓનો ધર્મગ્રંથ ક્યો છે ?
ઉત્તર :આપણા વૈદિકધર્મીઓનો ધર્મગ્રંથ વેદો છે.
પ્ર. ૫.વેદ કેટલા છે અને કયા કયા ?
ઉત્તર :વેદ ચાર છે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
પ્ર. ૬.વેદ કેટલાં જૂનાં છે ?
ઉત્તર : વેદ ૧,૯૬,૦૮,૫૩, ૧૧૫ વર્ષ જૂનાં છે. (વિ.સં. ૨૦૭૯ માં)
પ્ર. ૭, ચારે વેદોમાં કેટલાં મંત્રો છે ?
ઉત્તર : ચારે વેદોમાં ૨૦૩૭૯ મંત્રો છે. ઋગ્વદમાં ૧૦૫૫૨, યજુર્વેદમાં - ૧૯૭૫, સામવેદમાં ૧૮૭૫ અને અથર્વવેદમાં ૫૯૭૭ મંત્રો છે.
પ્ર. ૮.વેદોની ભાષા કઈ છે ?
ઉત્તર : વેદોની ભાષા વૈદિક સંસ્કૃત છે. લિપિ દેવનાગરી છે.
પ્ર. ૯.વેદોમાં કયા વિષયો છે ?
ઉત્તર :વેદોમાં મનુષ્યો માટે આવશ્યક સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન છે. ટૂંકમાં, ઈશ્વર, જીવ, પ્રકૃતિનું વિજ્ઞાન અથવા જ્ઞાન, કર્મ અને ઉપાસનાના વિષય છે.
પ્ર. ૧૦.વેદોનું જ્ઞાન મનુષ્યોને કેવી રીતે મળ્યું?
ઉત્તર : વેદોનું જ્ઞાન સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે ચાર ઋષિઓને પ્રદાન કર્યું. તેમના નામ અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા હતાં.
પ્રાચીન વૈદિક સૈદ્ધાંતિક જ્ઞાન
પ્ર. ૧૧.વેદ ગ્રંથ સ્વરૂપે ક્યારે બન્યાં ?
ઉત્તર : એવી સંભાવના છે કે સૃષ્ટિના આરંભ પછી દીર્ઘ કાળ પછી વેદ ગ્રંથસ્વરૂપે બન્યા.
પ્ર. ૧૨. અનાદિ વસ્તુઓ (પદાર્થ) કેટલી છે ?
ઉત્તર : અનાદિ વસ્તુઓ (પદાર્થ) ત્રણ છે. ઈશ્વર, જીવ અને પ્રકૃતિ.
પ્ર. ૧૩.અનાદિ કોને કહેવાય ?
ઉત્તર : જે વસ્તુઓની ઉત્પત્તિ (પ્રારંભ) ન હોય તે અનાદિ કહેવાય છે.
પ્ર. ૧૪. ઈશ્વરના મુખ્ય કામ કયા કયા છે?
ઉત્તર : ઈશ્વરના મુખ્ય પાંચ કાર્યો છે. (૧) સંસારની ઉત્પત્તિ કરવી, (૨) સંસારનું પાલન કરવું, (૩) સંસારનો વિનાશ કરવો, (૪) વેદોનું જ્ઞાન આપવું અને (૫) સારા ખરાબ કર્મોનું ફળ આપવું.
પ્ર. ૧૫. ઈશ્વરનો અને મનુષ્યોનો સંબંધ શો છે ?
ઉત્તર : ઈશ્વર અને મનુષ્યોની વચ્ચે પિતા-પુત્ર, માતા-પુત્ર, ગુરૂ-શિષ્ય, રાજા-પ્રજા, સાધ્ય-સાધક, ઉપાસ્ય-ઉપાસક, વ્યાપક-વ્યાપ્ય જેવા અનેક સંબંધ છે.
પ્ર. ૧૬. વેદમાં ઈશ્વરનું સ્વરૂપ કેવું બતાવ્યું છે ?
ઉત્તર : વેદમાં ઈશ્વરને સર્વવ્યાપક, સર્વજ્ઞ, નિરાકાર, ન્યાયકારી, કર્મફળદાતા વગેરે સ્વરૂપયુક્ત બતાવેલ છે.
પ્ર. ૧૭.આ જગત ક્યારે બન્યું?
ઉત્તર : આ જગત ૧,૯૬,૦૮,૫૩,૧૨૩ વર્ષ પૂર્વે બન્યું. (વિ. સં. ૨૦૭૯, ઈ.સ. ૨૦૨૩ પ્રમાણે)
પ્ર. ૧૮. આ જગત હજુ કેટલાં વર્ષ સુધી ટકશે ?
ઉત્તર : આ જગત ૨,૩૫,૯૧,૪૬,૮૭૭ વર્ષ સુધી ટકશે.
પ્ર. ૧૯.રામાયણને કેટલાં વર્ષ થયાં?
ઉત્તર : રામાયણને થયે લગભગ ૧૦ લાખ વર્ષ થયાં.
પ્ર. ૨૦. મહાભારતને કેટલાં વર્ષ થયાં ?
ઉત્તર :મહાભારતને લગભગ પર૦૦ વર્ષ થયાં.
પ્ર. ૨૧.પારસી મત કેટલો જૂનો છે ?
ઉત્તર : પારસી મત લગભગ ૪૫૦૦ વર્ષ જૂનો છે.
પ્ર. ૨૨. યહૂદી મત કેટલો જૂનો છે ?
ઉત્તર : યહૂદી મત લગભગ ૪૦૦૦ વર્ષ જૂનો છે.
પ્ર. ૨૩.જૈન તથા બૌદ્ધ મત કેટલા જૂના છે ?
ઉત્તર : જૈન તથા બૌદ્ધ મત લગભગ ૨૫૦૦ વર્ષ જૂના છે.
પ્ર. ૨૪. શંકરાચાર્યને થયે કેટલાં વર્ષ થયાં ?
ઉત્તર :શંકરાચાર્યને થયે લગભગ ૧૩૦૦ વર્ષ થયાં.
પ્ર. ૨૫. હિન્દુ-પૌરાણિક મત કેટલો જૂનો છે ?
ઉત્તર : હિન્દુ-પૌરાણિક મત લગભગ ૨૨૦૦ વર્ષ જૂનો છે.
પ્ર. ૨૬. ખ્રિસ્તી મત કેટલો જૂનો છે?
ઉત્તર : ખ્રિસ્તી મત લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો છે.
પ્ર. ૨૭.ઈસ્લામ મત કેટલો જૂનો છે ?
ઉત્તર : ઈસ્લામ મત લગભગ ૧૪૦૦ વર્ષ જૂનો છે.
પ્ર. ૨૮. શીખ મત કેટલો જૂનો છે ?
ઉત્તર : શીખ મત લગભગ ૫૦૦ વર્ષ જૂનો છે.
પ્ર. ૨૯. બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામીનારાયણ, સ્વાધ્યાય પરિવાર, આનંદમાર્ગ વગેરે સંપ્રદાયો કેટલા જૂના છે?
ઉત્તર : આપણા દેશમાં પ્રચલિત ઉપર જણાવેલ અને તેના જેવા સેંકડો સંપ્રદાયો ૧૦૦-૧૫૦ વર્ષથી જ શરૂ થયેલ છે.
પ્ર. ૩૦.ઈશ્વરની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું ક્યારથી શરૂ થયું?
ઉત્તર : ઈશ્વરની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં શરૂ થયું. તેનાથી પહેલાં લોકો નિરાકાર ઈશ્વરની જ ધ્યાન પદ્ધતિથી ઉપાસના કરતા હતા.
પ્ર. ૩૧. વેદ આધારિત ધર્મના લક્ષણો કયા છે ?
ઉત્તર : વેદ આધારિત ધર્મના લક્ષણો - ધીરજ રાખવી, ક્ષમા, મન પર નિયંત્રણ, ચોરી ન કરવી, પવિત્રતા, ઈન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ વધારવી, જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત કરવું, સત્ય બોલવું તથા ક્રોધ ન કરવો તે છે.
પ્ર. ૩૨.પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થયા ?
ઉત્તર : પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય હિમાલયની શિવાલિક પર્વતમાળામાં ઉત્પન્ન થયા.
પ્ર. ૩૩. આર્ય કોને કહેવાય ?
ઉત્તર : ઉત્તમ ગુણ-કર્મ- સ્વભાવવાળા મનુષ્ય આર્ય કહેવાય છે.
પ્ર. ૩૪. શું આર્ય લોકો ભારતમાં બહારથી આવ્યા હતા ?
ઉત્તર : ના, આર્ય લોકો ભારતમાં બહારથી આવેલ નથી. ભારતવર્ષના જ મૂળનિવાસી છે.
પ્ર. ૩૫. ઇતિહાસમાં એવું ભણાવવામાં આવે છે કે આર્યો ભારતમાં બહારથી આવેલ છે ?
ઉત્તર : ઇતિહાસમાં ખોટું ભણાવાય છે. આર્યલોકો ભારત બહારથી આવ્યા હોય તેવા કોઈ પુરાવા આપણા ઇતિહાસ-ગ્રંથોમાં નથી મળતાં.
પ્ર. ૩૬. ચક્રવર્તી સમ્રાટ કોને કહેવાય?
ઉત્તર : સંપૂર્ણ પૃથ્વીના રાજાને ચક્રવર્તી સમ્રાટ કહે છે.
પ્ર. ૩૭.ચક્રવર્તી સમ્રાટ ક્યારે થયા હતા ?
ઉત્તર:સૃષ્ટિના આરંભથી લઈને મહાભારતના સમય સુધી આ પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ જ શાસન કરતા રહ્યા છે.
પ્ર. ૩૮. અંતિમ ચક્રવર્તી રાજા કોણ હતા ?
ઉત્તર : અંતિમ ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર હતા.
પ્ર. ૩૯. પૃથ્વી પર વૈદિક સામ્રાજ્ય ક્યાં સુધી રહ્યું ?
ઉત્તરઃ પૃથ્વી પર વૈદિક સામ્રાજય સૃષ્ટિના આરંભથી લઈને મહાભારત કાળ સુધી અર્થાત્ લગભગ ૧,૯૬,૦૮,૪૮,૦૦૦ વર્ષ સુધી રહ્યું.
પ્ર. ૪૦. વૈદિક કાળમાં વિશ્વના લોકો કયા ઈશ્વરને માનતા હતા ?
ઉત્તર : વૈદિક કાળમાં વિશ્વના લોકો કેવળ એક નિરાકાર ઈશ્વરને માનતા હતા.
પ્ર. ૪૧. વૈદિક સામ્રાજ્યના કાળમાં વિશ્વની શાસનની ભાષા કઈ હતી ?
ઉત્તર : વૈદિક સામ્રાજયના કાળમાં વિશ્વની શાસનની ભાષા સંસ્કૃત હતી.
પ્ર. ૪૨. વૈદિક કાળમાં શિક્ષણ પદ્ધતિ કઈ હતી ?
ઉત્તર : વૈદિક કાળમાં શિક્ષણ પદ્ધતિ ગુરૂકુલીય હતી.
પ્ર. ૪૩. વૈદિક ધર્મમાં વ્યક્તિગત જીવનને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં વ્યક્તિગત જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે, જેને ચાર આશ્રમ કહે છે.
પ્ર. ૪૪. ચાર આશ્રમો કયા કયા છે?
ઉત્તર :ચાર આશ્રમો -(૧) બ્રહ્મચર્ય આશ્રમ (૨) ગૃહસ્થ આશ્રમ (૩) વાનપ્રસ્થ આશ્રમ અને (૪) સંન્યાસ આશ્રમ છે.
પ્ર. ૪૫. વૈદિક ધર્મમાં ગુણ, કર્મ અને સ્વભાવના આધારે માનવ સમાજને કેટલા ભાગોમાં વહેંચવામાં આવેલ છે અને તેમના નામ જણાવો?
ઉત્તર : વૈદિક ધર્મમાં ગુણ, કર્મ અને સ્વભાવના આધારે માનવ સમાજને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે. તેમના નામ
(૧) બ્રાહ્મણ
(૨) ક્ષત્રિય
(૩) વૈશ્ય અને
(૪) શૂદ્ર છે.
પ્ર. ૪૬. શું વૈદિક ધર્મમાં ઈશ્વર અવતાર લે છે તેમ બતાવેલ છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં ઈશ્વર અવતાર લે છે તેવું વિધાન નથી કારણકે ઈશ્વર સર્વવ્યાપક, નિરાકાર હોવાથી તેનો અવતાર થવો સંભવ નથી.
પ્ર. ૪૭. વૈદિકધર્મીને માટે કયા કાર્ય કરવા અનિવાર્ય છે ?
ઉત્તર : વૈદિકધર્મીને માટે પંચમહાયજ્ઞ કરવા અનિવાર્ય છે.
પ્ર. ૪૮. પંચમહાયજ્ઞો કયા કયા છે ?
ઉત્તર : પંચમહાયજ્ઞો
(૧) બ્રહ્મયજ્ઞ (ઈશ્વરનું ધ્યાન તથા વેદનો અભ્યાસ),
(૨) દેવયજ્ઞ (હવન કરવો),
(૩) પિતયજ્ઞ (માતા-પિતા, વડીલોની સેવા કરવી),
(૪) અતિથિયજ્ઞ (વિદ્વાન, સંન્યાસી, સમાજસેવક વ્યક્તિઓનો સત્કાર કરી તેમની પાસેથી માર્ગદર્શન લેવું.),
(૫) બલિવૈશ્વદેવયજ્ઞ (પશુ, પક્ષી, અનાથ, વિકલાંગ આદિની સેવા કરવી) છે.
પ્ર. ૪૯ વૈદિક ધર્મમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે અન્ય કયા વિધિવિધાન બતાવ્યા છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સોળ સંસ્કાર કરવાનું વિધાન છે.
પ્ર. ૫૦. સોળ સંસ્કારોના નામ જણાવો ?
ઉત્તર : સોળ સંસ્કારોના નામ નીચે મુજબ છે.
(૧) ગર્ભાધાન
(૨) પુંસવન
(૩) સીમંતોન્નયન
(૪) જાતકર્મ
(૫) નામકરણ
(૬) અન્નપ્રાશન
(૭) નિષ્ક્રમણ
(૮) ચૂડાકર્મ (બાબરી)
(૯) કર્ણવેધ
(૧૦) ઉપનયન
(૧૧) વેદારંભ
(૧૨) સમાવર્તન
(૧૩) વિવાહ (લગ્ન)
(૧૪) વાનપ્રસ્થ
(૧૫) સંન્યાસ અને
(૧૬) અંત્યેષ્ટિ
પ્ર. ૫૧. વૈદિકધર્મી એકબીજાને જ્યારે મળે ત્યારે કયા શબ્દથી અભિવાદન કરે છે ?
ઉત્તર : વૈદિકધર્મી એકબીજાને જયારે મળે ત્યારે “નમસ્તે' શબ્દથી અભિવાદન કરે છે. (તેનો અર્થ હું તમારું સમ્માન કરું છું તેવો થાય છે.)
પ્ર. ૫૨. શું વૈદિક ધર્મમાં ત્રુટિ, ભૂલ, દોષ પાપને માટે ઈશ્વર તરફથી ક્ષમા કરવાનું વિધાન છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં ત્રુટિ, ભૂલ, દોષ, પાપને માટે ઈશ્વર તરફથી ક્ષમા કરવાનું વિધાન છે.
પ્ર. પ૩.દર્શનશાસ્ત્ર કેટલાં છે અને તેમનાં નામ કયા કયા છે ?
ઉત્તર : દર્શનશાસ્ત્ર ૬ છે :
(૧) યોગ દર્શન,
(૨) સાંખ્ય દર્શન,
(૩) વૈશેષિક દર્શન,
(૪) ન્યાય દર્શન,
(૫) મીમાંસા દર્શન અને
(૬) વેદાંત દર્શન.
પ્ર. ૫૪. વેદોનાં અંગ કેટલાં છે અને તેમનાં નામ કયા કયા છે ?
ઉત્તર : વેદોનાં અંગ ૬ છે :
(૧) શિક્ષા
(૨) કલ્પ
(૩) વ્યાકરણ
(૪) નિરુક્ત
(૫) છંદ અને
(૬) જ્યોતિષ. જ્યોતિષને વેદના ચક્ષુ "આંખ" કહેવાય છે.
પ્ર. પપ. વેદોના આધારે ઋષિઓએ બનાવેલ સામાજિક વિધિવિધાન તથા આચારસંહિતાનો પ્રસિદ્ધ, પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ કયો છે ?
ઉત્તર : વેદોના આધારે ઋષિઓએ બનાવેલ સામાજિક વિધિવિધાન તથા આચારસંહિતાનો પ્રસિદ્ધ, પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ 'મનુસ્મૃતિ' છે.
પ્ર. પ૬. શું વૈદિક ધર્મમાં આભડછેટ (છૂત-અછૂત), જાતિભેદ, જાદુટોણા, દોરાધાગા, તાવીજ, શુભ-અશુભ, ફલિત જ્યોતિષ, જન્મકુંડળી. હસ્તરેખા, નવગ્રહ પૂજા, નદીમાં નહાવું, બલિપ્રથા, સતિપ્રથા, માંસાહાર, મદ્યપાન, બહુવિવાહ, ભૂત-પ્રેત, મૃતકોના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેના વિધાન છે?
ઉત્તર :વૈદિક ધર્મમાં આભડછેટ (છૂત-અછૂત), જાતિભેદ, જાદુટોણા દોરાધાગા, તાવીજ, શુભ-અશુભ, નવગ્રહ પૂજા, નદીમાં નહાવું, બલિપ્રથા, સતિપ્રથા, માંસાહાર, મદ્યપાન, બહુવિવાહ, ભૂત-પ્રેત, મૃતકોના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેના વિધાન નથી.
પ્ર. ૫૭. વૈદિક ધર્મમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય/ ઉદ્દેશ્ય/ પ્રયોજન શું બતાવવામાં આવ્યું છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય/ ઉદ્દેશ્ય/ પ્રયોજન બધાં જ દુ:ખોથી છુટકારો અને પૂર્ણ આનંદને પ્રાપ્ત કરવાનું બતાવેલ છે.
પ્ર. ૫૮. બધાં જ દુ:ખોથી છુટવું કેવી રીતે સંભવ છે ?
ઉત્તર :આધ્યાત્મિક અજ્ઞાનના નષ્ટ થવાથી બધાજ દુ:ખોથી છુટવું સંભવ છે.
પ્ર. પ૯. આધ્યાત્મિક અજ્ઞાન કેવી રીતે નષ્ટ થાય છે ?
ઉત્તર : આધ્યાત્મિક અજ્ઞાન ઈશ્વર દ્વારા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન પ્રદાન કરવાથી નષ્ટ થાય છે.
પ્ર. ૬૦. ઈશ્વર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન ક્યારે આપે છે ?
ઉત્તર : ઈશ્વર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન મનની સમાધિ અવસ્થામાં આપે છે.
પ્ર. ૬૧. સમાધિની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
ઉત્તર : સમાધિની અવસ્થા અષ્ટાંગ યોગની વિધિથી મન, ઈન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ કરવાથી પ્રાપ્ત થાય છે.
પ્ર. ૬૨.મન, ઈન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ કેવી રીતે થાય છે?
ઉત્તર : મન, ઈન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ આત્માનો સાક્ષાત્કાર કરવાથી થાય છે.
પ્ર. ૬૩. આત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય છે ?
ઉત્તર : આત્માનો સાક્ષાત્કાર આત્માથી સંબંધિત વિજ્ઞાનને ભણીને, વિચારીને, નિર્ણય લઈને, દઢ નિશ્ચય કરીને, તપસ્યા અને પુરુષાર્થપૂર્વક કાર્યો કરવાથી થાય છે.
પ્ર. ૬૪. ઈશ્વરનું ધ્યાન કરવાથી શું લાભ થાય છે ?
ઉત્તર : ઈશ્વરનું ધ્યાન કરવાથી મન ઉપર અધિકાર થઈ જાય છે, ઈન્દ્રિયો પર નિયંત્રણ થાય છે, એકાગ્રતા વધે છે, સ્મૃતિ શક્તિ તેજ થાય છે, બુદ્ધિ સાચો અને ત્વરિત જ નિર્ણય કરનારી બને છે, આત્મિક બળ વધે છે. ધેર્ય, સહનશક્તિ, ક્ષમા, દયા, નિષ્કામતાની વૃદ્ધિ થાય છે અને વિશેષ આનંદ, શાન્તિ, નિર્ભિક્તાની પ્રાપ્તિ થાય છે.
પ્ર. ૬૫. મનુષ્ય દુ:ખી કેમ થાય છે ?
ઉત્તર :મનુષ્ય રાગ, દ્વેષ અને મોહ અર્થાત્ અજ્ઞાનને કારણે દુઃખી થાય છે.
પ્ર. ૬૬. વૈરાગ્યનો અર્થ શું છે ?
ઉત્તર : વૈરાગ્ય એટલે રાગ-દ્વેષથી રહિત, એષણાઓથી રહિત, લૌકિક સુખ લેવાની ઈચ્છાઓથી રહિત નિષ્કામ ભાવનાથી કર્તવ્ય કર્મો કરવા.
પ્ર. ૬૭. આધ્યાત્મિકત જ્ઞાન શબ્દનો અર્થ શું છે ?
ઉત્તર : આધ્યાત્મિકત જ્ઞાન એટલે આત્મા, પરમાત્મા, મન, બુદ્ધિ, મોક્ષ, બંધન, પુનર્જન્મ, કર્મ અને તેનું ફળ, સંસ્કાર, સમાધિ વગેરે વિષયોની યથાર્થ સમજ અને તે પ્રમાણે આચરણ કરવું.
પ્ર. ૬૮. મનુષ્યના મનમાં અશાંતિ, ભય, ચિંતા કેમ ઉત્પન્ન થાય છે ?
ઉત્તર : મનુષ્યના મનમાં અશાંતિ, ભય, ચિંતા પાપ કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે.
પ્ર. ૬૯. પાપ કોને કહે છે ?
ઉત્તર :અધર્માચરણને પાપ કહે છે.
પ્ર. ૭૦. અધર્માચરણ કોને કહે છે ?
ઉત્તર : ઈશ્વરની આજ્ઞાઓ, શાસ્ત્રોના વિધિ-વિધાનો, મહાપુરુષોના નિર્દેશો તથા પોતાના પવિત્ર આત્મામાં ઉત્પન્ન થતા પવિત્ર વિચારોથી વિપરીત વ્યવહારને અધર્મ આચરણ કહે છે.
પ્ર. ૭૧. ધર્મની સામાન્ય પરિભાષા શું છે ?
ઉત્તર : ધર્મની સામાન્ય પરિભાષા એ છે કે જે વ્યવહાર પોતાને સારો લાગે તેવો બીજા સાથે કરે અને જે વ્યવહાર પોતાને સારો ન લાગે તેવો બીજા સાથે ક્યારેય ન કરે.
પ્ર. ૭૨. વૈદિક ધર્મમાં કર્મફળ સિદ્ધાંત શું છે?
ઉત્તર : જે મનુષ્ય શરીર, મન, ઈન્દ્રિયોથી જેટલા પણ સારાં-નરસાં કર્મ કરે છે તે બધાં કર્મોના ફળ સુખ-દુ:ખના રૂપે તેને અવશ્ય મળે છે.
પ્ર. ૭૩. શું વેદો પ્રમાણે પાપ કર્મોનાં ફળ માફ થઈ શકે છે?
ઉત્તર : વેદો પ્રમાણે પાપ કર્મોના ફળ કોઈ રીતે પણ માફ થઈ શકતા નથી.
પ્ર. ૭૪. તો પછી દાન-પુણ્ય, જપ-તપ, સેવા, પરોપકાર વગેરેનો શું લાભ?
ઉત્તર : દાન-પુણ્ય, જપ-તપ, સેવા-પરોપકાર વગેરેના અલગથી સારા ફળ મળે છે પરંતુ તેનાથી પાપ કર્મોના ફળ ન તો ઓછા થાય છે ન તો માફ થાય છે.
પ્ર. ૭૫.જ્યારે કર્મોના ફળ મળવાના જ છે તો ઈશ્વરની ઉપાસના કરવાથી શો લાભ?
ઉત્તર :ઈશ્વરની ઉપાસના કરવાથી બુદ્ધિ પવિત્ર થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. આત્મિક બળ મળે છે, મનમાં ઉત્તમ વિચાર ઉત્પન્ન થાય છે. પરિણામસ્વરૂપ મનુષ્ય ભવિષ્યમાં ખરાબ કર્મો નથી કરતો અથવા ઓછા કરે છે.
પ્ર. ૭૬.શું આપણું ભવિષ્ય નિશ્ચિત છે અને તેને કોઈ જાણીને બતાવી શકે છે?
ઉત્તર :આપણું ભવિષ્ય નિશ્ચિત નથી અને તેને કોઈ પણ જાણીને બતાવી શકતું નથી.
પ્ર. ૭૭. તો પછી આ જ્યોતિષી લોકો ભવિષ્યની વાતો બતાવે છે તે સત્ય નથી ?
ઉત્તર : હા, જયોતિષી લોકો ભવિષ્યની વાતો બતાવે છે તે પૂર્ણ સત્ય નથી.
પ્ર. ૭૮. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જૂઠું બોલવું લાભકારી અને ઉચિત હોય છે?
ઉત્તર : કોઈપણ પરિસ્થિતિમાં જૂઠું બોલવું ન તો લાભકારી હોય છે અને ન તો ઉચિત હોય છે. પછીના અનેક ગ્રંથોમાં આવા વિધાનો જોવા મળે છે ખરાં.
પ્ર. ૭૯.શું ઈશ્વર પોતાની ઈચ્છાથી કોઈ મનુષ્યને કર્મ કર્યા વગર સુખદુઃખ રૂપી ફળ આપે છે ?
ઉત્તર :ઈશ્વર પોતાની ઈચ્છાથી મનુષ્યને કર્મ કર્યા વગર સુખદુઃખ રૂપી ફળ નથી આપતો. આર્તતાપૂર્વકની હૃદયની પ્રાર્થના મંજુર થાય છે.
પ્ર. ૮૦.શું અજ્ઞાન કે મિથ્યાજ્ઞાનના કારણે કરેલા ખરાબ કર્મોના ફળ પણ મળે છે ?
ઉત્તર :* જી હા, અજ્ઞાન કે મિથ્યાજ્ઞાનના કારણે કરેલા ખરાબ કર્મોના ફળ, અવશ્ય મળે છે. આપણું કર્તવ્ય છે કે અજ્ઞાનને દૂર કરવું.
પ્ર. ૮૧. કયું કામ સારું છે તેની ખબર કેવી રીતે પડે ?
ઉત્તર : કોઈ કામ કરતાં પહેલાં, કરતી વખતે, કર્યા પછી મનમાં આનંદ, ઉત્સાહ, પ્રસન્નતા, શાંતિ, સંતોષ ઉત્પન્ન થાય છે, સાથે-સાથે જેનાથી વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રની કોઈપણ પ્રકારે હાનિ ન થાય તેવા કામને સારું માનવું જોઈએ.
પ્ર. ૮૨.કયું કામ ખરાબ છે તેની ખબર કેવી રીતે પડે ?
ઉત્તર :કોઈ કામ કરતા પહેલાં, કરતી વખતે, કર્યા પછી મનમાં ભય, શંકા, શરમ ઉત્પન્ન થાય છે, સાથે સાથે જેનાથી વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અથવા રાષ્ટ્રની કોઈ હાનિ થતી હોય તેવા કામને ખરાબ માનવું જોઈએ.
પ્ર. ૮૩. મન ઉપર નિયંત્રણ કેવી રીતે થાય છે ?
ઉત્તર : મન ઉપર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનનો પ્રયોગ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.
પ્ર. ૮૪. આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે ?
ઉત્તર : આ વિચાર કરીને કે હું એક ચેતન તત્ત્વ છું અને મન, ઈન્દ્રિય અને શરીરનો સ્વામી છું. શરીર, મન, ઈન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વગર શરીર, મન, ઈન્દ્રિયો પોતાની મેળે કોઈ પણ કામ નથી કરી શકતાં. હું મારી ઈચ્છાથી જે કામને કરવા ચાહું તે કરીશ, જે કામને નહિ કરવા ચાહું તે કામ નહિ કરું. હું જે વિચારને મારા મનમાં ઉત્પન્ન કરવા ચાહીશ તેને કરીશ અને જે વિચારને ઉત્પન્ન નહિ કરવા ચાહું તેને નહિ કરુ, આવો દઢ નિશ્ચય કરીને મન, વાણી અને શરીરથી સાવધાની અને સજાગતા સાથે વ્યવહાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધતું જાય છે.
પ્ર. ૮૫. કામોમાં સફળતાના કયા ઉપાય છે ?
ઉત્તર : કામોમાં સફળતાના નિમ્ન ઉપાય છે.
(૧) કામ કરવાની તીવ્ર ઈચ્છા,
(૨) કામને પુરુ કરવા માટે પૂરતા સાધનોનો સંગ્રહ,
(૩) કામને સરળતાથી, ઝડપથી અને ખૂબ જ સારી રીતે કરવાની યોગ્ય જાણકારી,
(૪) કાર્યને પૂરા થતા સુધી પૂરો પુરુષાર્થ કરતા રહેવું,
(૫) કામ કરતી વખતે વચ્ચે આવનારાં વિઘ્નો, કષ્ટ, અભાવ, વિરોધ, પ્રતિકૂળતાઓ વગેરેને પ્રસન્નતા પૂર્વક સહન કરવા, હતાશા-નિરાશ, ઉદાસ ન થવું,
(૬) ઈશ્વર પાસે કાર્ય સફળતા માટે જ્ઞાન, બળ, સાહસ, ઉત્સાહ, પરાક્રમ વગેરેની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.
પ્ર. ૮૬.કોઈ શાસ્ત્ર કે ગ્રંથ ઈશ્વર પ્રદત્ત છે તેનું શું પ્રમાણ છે ?
ઉત્તર: કોઈ શાસ્ત્ર કે ગ્રંથ ઈશ્વરીય છે, તેનું નિમ્ન પ્રમાણ છે.
(૧) જે સૃષ્ટિની શરૂઆતમાં જ રચાયું હોય.
(૨) જેમાં વિજ્ઞાન વિરુદ્ધની વાતો ન હોય.
(૩) જેમાં મનુષ્યોનો ઈતિહાસ ન હોય.
(૪) જેમાં પરસ્પર વિરોધ ન હોય.
(૫) જેમાં અંધવિશ્વાસ, પાખંડ, અજ્ઞાનયુક્ત, અપ્રમાણિક વાતોનું વર્ણન ન હોય.
(૬) જેમાં મનુષ્યોની સર્વોત્કૃષ્ટ ઉન્નતિ માટે બધા જ પ્રકારના વિષયોનું વર્ણન કરવામાં આવ્યું હોય.
(૭) જેમાં સૃષ્ટિના પ્રત્યક્ષ નિયમોની વિરુદ્ધ સિદ્ધાંતોનું વર્ણન ન હોય.
(૮) જેવા પ્રકારના ગુણ-કર્મ સ્વભાવ વાળો ઈશ્વર છે અથવા હોવો જોઈએ તેવા જ ગુણોનું વર્ણન પુસ્તકમાં કરવામાં આવેલ હોય,
(૯) જેમાં પક્ષપાત રહિત સમાનરૂપેથી બધા જ મનુષ્યો માટે વિધિ-વિધાન, નિયમ અનુશાસનનું વિધાન કરવામાં આવેલ હોય,
(૧૦) જે કોઈ દેશો વિશેષના મનુષ્યો, જાતિ, મત, પંથ, સંપ્રદાય માટે ન હોય પરંતુ સાર્વજનિક, સાર્વભૌમિક, સાર્વકાલિક હોય.
(૧૧) જે કોઈ મનુષ્યની બનાવેલી ભાષામાં ન હોય,
પ્ર. ૮૭. મનુષ્ય જીવનની અસફળતાનાં લક્ષણો કયાં છે ?
ઉત્તર :જે મનુષ્યના જીવનમાં સુખ, શાન્તિ, સન્તોષ, તૃપ્તિ, નિર્ભીકતા,સ્વતંત્રતા નથી હોતા તે જીવન અસફળ હોય છે. પછી ભલેને તેની પાસે ધન, સમ્પત્તિ, રૂપ, બળ, વિદ્યા, પ્રતિષ્ઠા, સમ્માન, યશ, કીર્તિ વગેરે કેમ ન હોય.
પ્ર. ૮૮. મનુષ્ય જીવનની સફળતાનાં લક્ષણો કયાં છે?
ઉત્તર : જે મનુષ્યના જીવનમાં સુખ, શાન્તિ, સંતોષ, તૃપ્તિ, નિર્ભિક્તા, સ્વતંત્રતા હોય છે તે જીવન સફળ હોય છે. પછી ભલેને તેની પાસે ધન, સમ્પત્તિ, રૂપ, બળ, વિદ્યા, પ્રતિષ્ઠા, સમ્માન, યશ,
કીર્તિ થોડી હોય કે ન પણ હોય તોય તેનું જીવન સફળ થાય છે.
પ્ર. ૮૯. 'યજ્ઞ' શબ્દનો અર્થ શું છે ?
ઉત્તર : 'યજ્ઞ' શબ્દનો અર્થ 'હવન' (અગ્નિહોત્ર) પણ થાય છે. દાન, ત્યાગ, શ્રેષ્ઠ કામોને પૂર્ણ પુરુષાર્થ સાથે નિષ્કામ ભાવથી કરવું. હવન (અગ્નિહોત્ર) પણ યજ્ઞ શબ્દનો અર્થ થાય છે.
પ્ર. ૯૦. કેવા પ્રકારનું જીવન જીવવાથી મનુષ્યને વધારેમાં વધારે સુખની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર : નીચે બતાવ્યા પ્રમાણે જીવન જીવવાથી મનુષ્યને વધારેમાં વધારે સુખની પ્રાપ્તિ થઈ શકે છે - આદર્શ દિનચર્યા, પ્રાતઃ જાગરણ, ભ્રમણ, વ્યાયામ, સ્નાન, યજ્ઞ, ઈશ્વરનું ધ્યાન, ઉત્તમ પુસ્તકોનો સ્વાધ્યાય, સત્યનું પાલન, રાગ-દ્વેષ રહિત વ્યવહાર, બીજાના ધન અને અધિકારોને અનુચિત રીતે ગ્રહણ ન કરવાની ઈચ્છા, પરોપકાર, સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠન, ત્યાગ, સેવા, બલિદાનની ભાવના, મનમાં ઉત્તમ કાર્યો કરવા અને ખરાબ કામોને ન કરવાનો દઢ સંકલ્પ, સાત્વિક ભોજન, મધુર વ્યવહાર, આત્મનિરીક્ષણ, મહાપુરુષો-વિદ્વાનોનો સત્સંગ, સંયમ, ત્યાગ, તપસ્યા વગેરે ગુણ-કર્મ-સ્વભાવને ધારણ કરવાથી જીવનમાં વધારેમાં વધારે સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
પ્ર. ૯૧.રાષ્ટ્ર/ વિશ્વની ઉન્નતિના કયા વૈદિક ઉપાય છે ?
ઉત્તર : રાષ્ટ્ર વિશ્વની ઉન્નતિના વેદિક ઉપાય નીચે પ્રમાણે છે.
સંપૂર્ણ વિશ્વના લોકો જયારે એક ઈશ્વરને માનશે, તેમની ભાષા એક હશે, ધર્મ એક હશે, સંવિધાન એક હશે, શિક્ષણ એક, આચાર-વિચાર એક, ન્યાય અને રાજનીતિ એક પ્રકારની હશે, હાનિ અને લાભ એકસમાન હશે, ત્યારે સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વની ઉન્નતિ થઈ શકશે.
પ્ર. ૯૨. સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં એકતા કેવી રીતે સ્થાપિત થઈ શકશે?
ઉત્તર :સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં એકતા ત્યારે જ સ્થાપી શકાય જયારે
(૧) બધા જ મનુષ્યોનું લક્ષ્ય એક હોય,
(૨) તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ એક હોય,
(૩) તે લક્ષ્યને પ્રાપ્ત કરવાના સાધન એક હોય,
(૪) તે માર્ગ પર ચાલવાની વિધિ/સિદ્ધાન્ત એક હોય
અને તેનો ઉપાય ઈશ્વરીય જ્ઞાન ફક્ત વેદ જ હોય.
પ્ર. ૯૩. જીવનને ઝડપથી અને સરળતાથી ભૌતિક સાધનો વગર ઉન્નત કરવાના આધ્યાત્મિક ઉપાય કયા છે ?
ઉત્તર જીવનને ઝડપથી અને સરળતાથી ભૌતિક સાધનો વગર ઉન્નત કરવાનો આધ્યાત્મિક ઉપાય છે આત્મનિરીક્ષણ. રાત્રિના સમયે નિદ્રાને આધીન થયા પહેલાં અથવા દિવસમાં ગમે ત્યારે પણ મનુષ્ય શાન્ત, એકાન્ત સ્થાન ઉપર બેસીને એકાગ્રતાથી પોતાના જીવનના ક્રિયા-વ્યવહારોનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરી અને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મારા જીવનમાં કઈ બુરાઈઓ છે, ક્યા દોષ છે, કેટલી ભૂલો છે, હું કઈ ભૂલો કરું છું, તથા કયા કાર્યો કરવાના હતા જે નથી કર્યા, કયા કાર્યોને કરી નાખ્યા જે નહોતા કરવાના, ક્યા કાર્યોમાં ઓછો સમય લગાવવાનો હતો અને વધારે સમય લાગી ગયો, કયા કાર્યોમાં વધારે સમય લગાવવાનો હતો અને ઓછો સમય લગાડ્યો. કયા કાર્યો મુખ્ય હતા જેને સામાન્ય માન્યા, કયા કાર્યો સામાન્ય હતા જેને મુખ્ય માન્યા વગેરે, ખામીઓને જાણી તેને જીવનની ઉન્નતિમાં બાધક માની તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની પ્રતિજ્ઞા કરવી અને મનમાં દઢ સંકલ્પ કરવો કે ભવિષ્યમાં તે ભૂલોને ફરી કરવામાં નહિ આવે. સાથે-સાથે દિવસભરના વ્યવહાર કરતી વખતે મન, વાણી અને શરીરથી સતર્ક અને સાવધાન રહેવું. ઈશ્વર પાસેથી પણ પ્રતિદિન જીવનને ઉન્નત કરવા માટે આત્મિક બળ, જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ, સહિષ્ણુતા વગેરે ગુણોની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા રહેવું. આવા ઉપાયોથી સામાન્ય મનુષ્યનું જીવન સરળતાથી અને ઝડપથી શ્રેષ્ઠ બની શકે છે.
પ્ર. ૯૪.શું પુનર્જન્મ થાય છે ? તેનું શું પ્રમાણ છે ?
ઉત્તર :પુનર્જન્મ થાય છે, તેના નિમ્ન પ્રમાણ છે.
(૧) જન્મતાંની સાથે જ મનુષ્ય-પશુ વગેરેના બચ્ચાં દૂધ પીએ છે.
(૨) ચાર-છ માસના બાળકનું માના ખોળામાં આંખ બંધ કરેલી સ્થિતિમાં અથવા સૂતેલી સ્થિતિમાં ક્યારેક પ્રસન્ન થવું, ક્યારેક ભયભીત થવું.
(૩) સંસારમાં ઉંચીનીચી યોનિઓ.
(૪) બાલ્ય અવસ્થામાં બૌદ્ધિક સ્તરનો ફરક જોઈને આ અનુમાન થાય છે કે જીવાત્માનો પુનઃ જન્મ થાય છે.
પ્ર. ૯૫.સમાજમાં લોકોની સાથે વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ ?
ઉત્તર :સમાજમાં ચાર પ્રકારના વ્યક્તિ હોય છે. જેની સાથે ચાર પ્રકારના વ્યવહાર કરવા જોઈએ.
(૧) જે વ્યક્તિ ધન વગેરેથી સુખી અને સમૃદ્ધ હોય તેની સાથે મિત્રતા રાખવી જોઈએ.
(૨) જે વ્યક્તિ ધન વગેરેથી નિર્ધન દુ:ખી હોય તેના ઉપર દયા કરી તેનો યથાશક્તિ સહયોગ કરવો જોઈએ.
(૩) જે વ્યક્તિ ત્યાગી, તપસ્વી, સેવાભાવી હોય તેને જોઈને મનમાં પ્રસન્ન થવું જોઈએ અને તેનો આદર-સત્કાર કરવો જોઈએ.
(૪) જે વ્યક્તિ દુષ્ટ હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ એટલે કે ન તો, તેના પ્રતિ દ્વેષ કરવો કે ન તો પ્રેમ કરવો.
પ્ર. ૯૬. મર્યા પછી કેટલા સમયમાં મનુષ્ય નવો જન્મ લે છે ?
ઉત્તર :તરત જ થોડા જ સમયમાં નવો જન્મ લઈ લે છે.
પ્ર. ૯૭. મર્યા પછી મનુષ્યને કયો જન્મ મળે છે ?
ઉત્તર : મર્યા પછી અડધા (૫૦%) અથવા અડધાથી વધારે સારા કર્મો હોય, તો મનુષ્ય જન્મ મળે છે અને અડધાથી વધારે ખરાબ કર્મો હોય તો પશુ-પક્ષી, કીટ, પતંગ વગેરે જન્મ મળે છે.
પ્ર. ૯૮.શું મનુષ્યની આયુ નિશ્ચિત છે ?
ઉત્તર :મનુષ્યની આયુ નિશ્ચિત નથી. આયુને ઓછી-વત્તી કરી શકાય છે.
પ્ર. ૯૯.આયુષ્યને વધારવાના કયા ઉપાય છે?
ઉત્તર :આયુષ્યને વધારવાના નીચે પ્રમાણેના ઉપાય છે. સાત્વિક ભોજન, નિયમિત દિનચર્યા, બ્રહ્મચર્યનું પાલન, પૂરી ઊંઘ, વ્યાયામ, સારાં પુસ્તકોનું વાંચન, સત્સંગ, વિદ્વાનોનું અને શ્રેષ્ઠ મનુષ્યોની સાથે મિત્રતા, ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ, સજાગતા, સાવધાની, શાન્તિ, પ્રસન્નતા, ધૈર્ય, દયા, ક્ષમા વગેરેનો પ્રયોગ. આ ઉપાયોથી મનુષ્ય પોતાનું આયુષ્ય વધારી શકે છે.
પ્ર.૧૦૦. મનુષ્ય અલ્પઆયુમાં/જલદી/અકાળે કેમ મૃત્યુ પામે છે?
ઉત્તર :તામસિક ભોજન, અનિયમિત દિનચર્યા, અસંયમ, વ્યભિચાર, વધારે જાગવું, સ્વાધ્યાય સત્સંગ ન કરવો, ખરાબ વ્યક્તિઓ સાથે મિત્રતા, નાસ્તિકતા, અસાવધાની, ક્રૂરતા, અશાન્તિ, ચિન્તા, શોક, ભય, રોગ વગેરેથી મનુષ્યની શારીરિક, માનસિક શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તે અલ્પઆયુમાં અકાળ મૃત્યુને પ્રાપ્ત કરે છે.
પ્ર.૧૦૧. મનુષ્યનું સામાજિક-રાષ્ટ્રીય કર્તવ્ય શું છે?
ઉત્તર :મનુષ્ય પોતાની વ્યક્તિગત અને પારિવારિક ઉન્નતિની સાથે સમાજ અને રાષ્ટ્રના લોકોમાં રહેલા અજ્ઞાન, અન્યાય અને અભાવને દૂર કરવા માટે તન-મન-ધનથી પૂર્ણ પ્રયાસ કરતા રહેવું જોઈએ. કારણ કે સમાજ-રાષ્ટ્રના બધા જ વ્યક્તિઓના ઉન્નત થયા વગર કોઈપણ વ્યક્તિ અથવા પરિવાર પૂર્ણ રૂપે સુખ, શાન્તિ, સુરક્ષા, નિશ્ચિત્તતા, નિર્ભિક્તા વગેરે પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે સમાજ, રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠિત થઈને, સંસ્થા બનાવી સાર્વજનિક કલ્યાણના કાર્યોને પણ ત્યાગ, તપસ્યા સાથે કરવા જોઈએ.
સંકલન : સોશિયલ મીડિયાના માધ્યમથી ૧૨/૦૮/૨૦૨૩
--------------
ૐ નમો નારાયણ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો